સુરતમાં સામે આવેલી રેગિંગની ગંભીર ઘટના બાદ સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા સ્થિત બરોડા મેડિકલ કોલેજ તંત્ર તાત્કાલિક અસરથી એલર્ટ થઈ ગયું છે. કોલેજ પરિસરમાં અને હોસ્ટેલમાં કોઈપણ પ્રકારનું રેગિંગ ન થાય તે માટે તંત્ર દ્વારા એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડને વિશેષ સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

જુનિયર વિદ્યાર્થીઓનું થશે સરપ્રાઇઝ ચેકિંગ અને ખાસ વાતચીત

રેગિંગની કોઈ પણ શક્યતાને નાબૂદ કરવા માટે કોલેજ તંત્ર દ્વારા હોસ્ટેલ બ્લોક્સમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. કમિટીના સભ્યો હોસ્ટેલમાં જઈને જુનિયર વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ વાતચીત કરશે. આ દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ તરફથી માનસિક કે, શારીરિક હેરાનગતિ થતી હોય તો તે અંગેની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે.

વિદ્યાર્થીની ઓળખ ગુપ્ત રાખીને સાંભળવામાં આવશે ફરિયાદો

મેડિકલ કોલેજ તંત્ર દ્વારા એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, ફરિયાદ કરનાર જુનિયર વિદ્યાર્થીની ઓળખ કોઈ પણ સંજોગોમાં જાહેર કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ ડર્યા વિના પોતાની આપવીતી કહી શકે તે માટે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરવાની યોજના બનાવવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી રેગિંગનો ભોગ બન્યો હોય તો તેની ઓળખ સંપૂર્ણપણે છૂપી રાખીને તેની ફરિયાદ સાંભળવામાં આવશે.

Vadodara News Baroda Medical College on alert after Surat incident surprise checking ordered in hostels to stop ragging

રેગિંગ કરનાર સામે કડક કાર્યવાહી

જો ચેકિંગ કે વાતચીત દરમિયાન રેગિંગની કોઈ પણ નાની-મોટી ફરિયાદ પ્રકાશમાં આવશે, તો સ્ક્વોડ દ્વારા તાત્કાલિક અસરથી કોલેજના ડીનને રિપોર્ટ કરવાનો રહેશે. રેગિંગમાં સામેલ હોવાનું માલૂમ પડે તેવા કોઈપણ સિનિયર વિદ્યાર્થી સામે કડકમાં કડક પગલાં ભરવા માટે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો