મધ્ય ગુજરાતની કનેક્ટિવિટીને નવો વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અને આસપાસના વિસ્તારો માટે રૂ.1297 કરોડના વિવિધ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસકામોની ભેટ ધરી છે. આ પ્રસંગે મહી નદી પર નવનિર્મિત અતિમહત્વના ગંભીરા બ્રિજનું વર્ચ્યુઅલ માધ્યમથી વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 2 રાજ્યકક્ષાના મંત્રીઓ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મધ્ય ગુજરાતમાં કુલ રૂ.676.68 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ.352.54 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
ગંભીરા બ્રિજનું વિક્રમી 12 મહિનામાં કન્સ્ટ્રક્શન પૂર્ણ
વડોદરા-પાદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિમહત્વપૂર્ણ ગંભીરા બ્રિજના નિર્માણમાં તંત્રે રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. 9 જુલાઈ, 2025ના રોજ સર્જાયેલી દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત ફોલોઅપ અને સમીક્ષાના પરિણામે રૂ.212 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પુલ માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં બનીને તૈયાર થઈ ગયો છે. 20 સપ્ટેમ્બરે બપોરે 3:00 કલાકે આ બ્રિજનું લોકાર્પણ થતાં જ વડોદરા અને આણંદ વચ્ચે અવરજવર કરતા હજારો વાહનચાલકોને સીધો અને સુરક્ષિત માર્ગસંપર્ક મળી રહેશે.

