વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ (SSG) ને 'એમ્સ' (AIIMS) કક્ષાની હોસ્પિટલ બનાવવાની મોટી મોટી વાતો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહીના કારણે એક દાઝેલા બાળક અને તેના પરિવારને અત્યંત કડવો અનુભવ થયો છે. દર્દીઓ માટે ઉત્તમ સુવિધાઓ હોવાના દવાઓ વચ્ચે હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સામાન્ય નાગરિકોને કેટલી હદે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેનો આ ઘટનાએ પર્દાફાશ કરી દીધો છે.
માતા અને પરિવારની ભારે હાલાકી
પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે 4થી 5 વર્ષનું એક નાનું માસૂમ બાળક ગંભીર રીતે દાઝી ગયું હતું. આ બાળકને સારવાર અર્થે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જતી વખતે પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. દર્દી માટે વ્હીલચેર કે સ્ટ્રેચરની કોઈ વ્યવસ્થા ન મળતાં લાચાર માતા પોતાના પીડિત બાળકને ગોદમાં ઊંચકીને એક વોર્ડથી બીજા વોર્ડમાં ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકના શરીરે ચાલતી ગ્લુકોઝની બોટલ પણ તેના પરિવારજનોએ હાથમાં પકડીને સાથે ચાલવું પડ્યું હતું.
