વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન ફાળવવાના વિવાદાસ્પદ નિર્ણયને લઈને આજે યોજાનારી સામાન્ય સભામાં ભારે હોબાળો થાય તે પહેલા જ વિરોધ કરી રહેલા વિપક્ષના સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી હતી.સાંજે 5 વાગ્યે મળનારી આ સામાન્ય સભામાં સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમનેસામને આવી જતાં વાતાવરણ ગરમાયું છે.સભા શરૂ થાય તે પહેલાં જ કોર્પોરેશન કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે.

જમીન ભેટ સ્વરૂપે આપવાની ખાસ જોગવાઈ રાખવામાં આવી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર-2ના ફાઇનલ પ્લોટ નંબર 60 પૈકીની કુલ 978 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને ફાળવવાનો મુદ્દો હાલ પાલિકાના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રસ્થાને પહોંચ્યો છે.આ વિવાદાસ્પદ દરખાસ્ત સામાન્ય સભામાં અંતિમ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી રહી છે. જેને લઈને વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા માટેની તમામ વ્યુહરચના ઘડી કાઢી છે.આ જમીન ફાળવણીની સમગ્ર પ્રક્રિયા રાજ્ય સરકારના ઠરાવ મુજબ આગળ વધારવામાં આવી રહી છે.જે અંતર્ગત કુલ જમીનમાંથી 500 ચોરસ મીટર જેટલી જમીન ભેટ સ્વરૂપે આપવાની ખાસ જોગવાઈ રાખવામાં આવી છે.

55 ટકા રાહત દરે ફાળવવાની દરખાસ્ત તૈયાર

આ ઉપરાંત બાકી રહેતી 478 ચોરસ મીટર જેટલી જમીન વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા મૂલ્યાંકનના 55 ટકા રાહત દરે ફાળવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.આ સમગ્ર દરખાસ્તને કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા અગાઉ જ વિધિવત મંજૂરી આપી દેવામાં આવી ચૂકી છે.જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.સામાન્ય સભામાં આ મુદ્દે ભારે તૂ તૂ મૈં મૈં થવાની પૂરેપૂરી સંભાવના છે.વિપક્ષ દ્વારા એવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે આ જમીન પર યુસુફ પઠાણ દ્વારા લાંબા સમયથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નહોતી.

કોર્પોરેશન કચેરીના પરિસરમાં માહોલ તંગ બન્યો

કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ભેટ સ્વરૂપે અને ભારે રાહતના દરે પધરાવી દેવાના નિર્ણય સામે વિપક્ષમાં ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. આ વિવાદના પગલે સામાન્ય સભા પૂર્વે જ કોર્પોરેશન કચેરીના પરિસરમાં માહોલ તંગ બન્યો હતો.કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ કચેરી બહાર એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા હાજર રહેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત દસ જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચોઃ