વડોદરા જિલ્લામાં ભારે વરસાદની સત્તાવાર આગાહીને પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદી આફત સામે પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ લાઈન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ વિભાગોને એલર્ટ રહીને આગોતરું આયોજન કરવા અને તમામ જરૂરી સંસાધનો સજ્જ રાખવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા હતા.

રેસ્ક્યૂ માટે રબર અને ફાઈબર બોટ્સ 'સ્ટેન્ડબાય'

કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રબર બોટ્સ 'રેડી ટુ ગો' મોડ પર રાખી દેવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા (VMC) તેમજ ગ્રામ્ય તાલુકાઓમાંથી પણ ફાઈબર અને રબર બોટ્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પૂર કે ભરાયેલા પાણીમાં ફસાયેલા નાગરિકોના તાત્કાલિક બચાવ કાર્ય માટે તમામ રેસ્ક્યૂ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

નાગરિકોને સાવચેત રહેવા અપીલ અને તંત્રની સજ્જતા

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોર્ડિંગ્સથી દૂર રહેવા તથા વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની ખાસ અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ઊભી થનારી કોઈપણ સ્થિતિ સામે રક્ષણ મેળવવા અને રાહત-બચાવ કામગીરી માટે વડોદરા જિલ્લાનું સરકારી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો