Vadodara-સાવલી રોડ પર ડમ્પરથી સર્જાયો અકસ્માત, કપચી ભરેલું ડમ્પર પલટી મારતાં ત્રણ વ્યક્તિઓ દબાયા


વડોદરા-સાવલી રોડ પર બહુથા અને ગોઠડા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કપચી ભરેલું ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું હતું. જેના કારણે રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ડમ્પર ગટરમાં પલટી ખાઈ જતાં તેમાં સવાર ત્રણ વ્યક્તિઓ દબાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદે દોડી આવ્યા હતા. તેમણે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને ડમ્પર નીચે દબાયેલા બે વ્યક્તિઓને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

ડમ્પર પલટી ખાતા 3 વ્યક્તિ દબાયા

જોકે હજુ પણ એક વ્યક્તિ ડમ્પર નીચે ફસાયેલી છે જેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને દબાયેલી વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે. આ અકસ્માતને કારણે વડોદરા-સાવલી રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

તંત્ર અને રાહદારી ઓ દ્વારા બે ને બહાર કાઢવામાં આવ્યા

ડમ્પરને હટાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ ઘટના કયા કારણોસર બની તે અંગેની તપાસ ચાલી રહી છે. ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હોઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા ફસાયેલી વ્યક્તિને ઝડપથી બહાર કાઢવા અને વાહનવ્યવહાર ફરીથી સુચારુ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.


  • Follow us on: