વડોદરામાં કાર્યરત વ્યાજબી ભાવની દુકાનોમાં હાલના દિવસોમાં ખાદ્યતેલની ભારે અછત ઊભી થતાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.સરકારી વ્યવસ્થા હેઠળ વાજબી ભાવની આ તમામ દુકાનો પર દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે કાર્ડધારકો માટે ખાસ ખાદ્યતેલનો જથ્થો આપવામાં આવતો હોય છે.આ જ રીતે વર્ષ દરમિયાન બીજો મહત્વનો જથ્થો છેક દિવાળી ટાણે વિતરણ કરવા માટે પૂરો પાડવામાં આવતો હોય છે.આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા શહેર અને જિલ્લાના તમામ ફેર પ્રાઈઝ શોપના દુકાનદારો દ્વારા પુરવઠા તંત્રને નિયમ મુજબનું સંપૂર્ણ પેમેન્ટ સમયસર ચૂકવી દેવાયું હતું.જોકે દુકાનદારો દ્વારા અગાઉથી પેમેન્ટ કરી દેવાયું હોવા છતાં પણ પુરવઠા વિભાગે દુકાનો સુધી પૂરતો જથ્થો મોકલ્યો નથી. 

પુરવઠા વિભાગ તરફથી કોઈ ફોડ પડાયો નથી

સરકારી તંત્ર તરફથી કુલ જરૂરી જથ્થા પૈકી માત્ર 80 ટકા જેટલો જ ખાદ્યતેલનો જથ્થો દુકાનો પર પહોંચાડવામાં આવ્યો છે.આ રીતે પુરવઠો ઓછો આવવાના કારણે સમગ્ર વડોદરામાં વ્યાજબી ભાવની દુકાનો પર ખાદ્યતેલની મોટી તંગી સર્જાઈ ગઈ છે.તંત્ર તરફથી પૂરતો માલ ન મળવાના લીધે સામાન્ય કાર્ડધારકો સુધી તેલ પહોંચાડવામાં મોટી અડચણ ઊભી થઈ છે અને દુકાનદારો માટે પણ ભારે અસમંજસભરી સ્થિતિ પેદા થઈ છે.હાલની સ્થિતિમાં તમામ સંચાલકો અધૂરા પુરવઠા સાથે વિતરણ કેવી રીતે કરવું તે બાબતે ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે.નિયત જથ્થો ન આવતા તહેવારોના સમયે ગરીબ પરિવારો સુધી તેલ પહોંચાડવાનું કામ અટવાઈ પડવાની નોબત આવીને ઊભી રહી ગઈ છે.સરકાર દ્વારા બાકીનો ખાદ્યતેલનો જથ્થો ક્યારે આપવામાં આવશે તે અંગે પુરવઠા વિભાગ કે સત્તાવાળાઓ તરફથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 

ગ્રાહકોના રોષનો ભોગ સંચાલકોએ બનવું પડે તેવી સ્થિતિ

ફેર પ્રાઈજ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ કહ્યું હતું કે, સરકાર ક્યારે જથ્થો આપશે તે અંગે કોઈને કશી ખબર ન હોવાથી અનિશ્ચિતતાનો માહોલ ઘેરો બન્યો છે.જ્યારે કાર્ડધારકો દુકાને ખાદ્યતેલ લેવા માટે આવશે અને તેમને સ્ટોક નહીં મળે ત્યારે ગ્રાહકો સાથે ઉગ્ર રકઝક અને બોલાચાલી થાય તેવી પૂરી ભીતિ સંચાલકોને સતાવી રહી છે.80 ટકા જથ્થાના કારણે જે કાર્ડધારકો તેલ મેળવવાથી વંચિત રહેશે તેઓ સીધા દુકાનદાર સામે વિરોધ કરશે તેવી ચિંતા પ્રવર્તી રહી છે.અગાઉથી પૂરેપૂરું પેમેન્ટ કરી દીધા બાદ પણ જો પૂરતો પુરવઠો ન મળે તો ગ્રાહકોના રોષનો ભોગ સંચાલકોએ બનવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.પુરવઠા વિભાગ દ્વારા ઊભી કરાયેલી આ અણઘડ સ્થિતિના પરિણામે ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનમાં ભારે નારાજગી અને આક્રોશ ફેલાયો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 4 સરકારી વિભાગોએ બજેટનો પૂરતો ખર્ચ કર્યો જ નહીં, જાણો કયા વિભાગે વધુ ખર્ચ કર્યો