રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન બાદ સરકારે જ્યારે સહાય પેકેજની જાહેરાત કરી, ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ ખેડૂતોને આવશ્યક દસ્તાવેજો મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવલી તાલુકામાં પણ ખેડૂતોને જરૂરી 7/12 અને 8-અના ઉતારા મેળવવા માટે જનસેવા કેન્દ્રોમાં દોડધામ કરવી પડી રહી છે.


 સાવલીમાં પાક સહાય માટે ખેડૂતોની કતારો

સાવલી તાલુકાના તમામ જનસેવા કેન્દ્રોમાં છેલ્લા કેટલાક દિવસોથી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. ખેડૂતોને કમોસમી માવઠાથી મોટો આર્થિક ફટકો લાગ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, "અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક બગડી ગયો હતો, અને જે પાક લણી ચૂક્યા હતા તે પલળી જતાં ભારે નુકસાન થયું છે. હવે સરકારી સહાય મેળવવાની આશા સાથે ખેડૂતો ઉતારા કઢાવવા આવી રહ્યા છે.સૌથી મોટી સમસ્યા એ છે કે, જનસેવા કેન્દ્રોમાં ભીડ વધવાની સાથે જ ઇન્ટરનેટની ગતિ ધીમી પડી જાય છે અને સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે. સમગ્ર રાજ્યમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા એકસાથે શરૂ થતાં સર્વર પરનો બોજ વધી ગયો છે.

સર્વર ડાઉન થતા ખેડૂતો લાઇનમાં ઉભા

સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતોને કલાકો સુધી લાંબી કતારોમાં રાહ જોવાનો વારો આવ્યો છે. "અમે સવારથી લાઈનમાં છીએ, પણ સર્વર ચાલે ત્યારે જ કામ થાય," એવા જવાબ મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોના મતે, એક તરફ કુદરતી આપદા અને બીજી તરફ સરકારી પ્રક્રિયામાં વિલંબ થતાં તેઓ બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા આ સર્વરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીને ખેડૂતોને ઝડપથી દસ્તાવેજો મળી રહે તેવી માંગણી કરવામાં આવી છે.

  • Follow us on: