વડોદરા શહેરના અતિ વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર એક જીવલેણ માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી છે. પુરઝડપે જઈ રહેલી એક એસટી (ST) બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલક યુવતી બસની ઝપેટમાં આવી ગઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

વાડી વિસ્તારની યુવતીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત

આ કરૂણ દુર્ઘટનામાં એક્ટિવા સવાર અને વડોદરાના વાડી વિસ્તારની રહેવાસી તૃપ્તિ માળી નામની યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ ગભરાઈ ગયેલો એસટી બસ ચાલક બસ સ્થળ પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

28 દિવસમાં આ છઠ્ઠો જીવલેણ અકસ્માત 

નોંધનીય છે કે, ફતેગંજ બ્રિજ પર વાહનોની અનિયંત્રિત ઝડપ અને ટ્રાફિકની સમસ્યાના કારણે અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આ વિસ્તારમાં છેલ્લા 28 દિવસમાં જ આ છઠ્ઠો જીવલેણ અકસ્માત નોંધાયો છે. એક જ મહિનાની અંદર આટલા બધા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને ટ્રાફિક તંત્ર દ્વારા ફતેગંજ બ્રિજ પર સ્પીડ લિમિટ અને ટ્રાફિક નિયંત્રણ માટે કડક પગલાં ભરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો