વડોદરા નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર, ફાજલપુર ટોલનાકા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, સમયસૂચકતાના કારણે કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો.
ફાજલપુર ટોલનાકા પાસે કારમાં આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, એક પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. તેમની કાર જ્યારે દિલ્હી-મુંબઈ હાઈવે પર ફાજલપુર ટોલનાકા નજીક પહોંચી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઇવરે તુરંત જ કાર રોકી દીધી હતી. કારમાં પાંચ લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ગણતરીની મિનિટોમાં જ આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.










