વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતમાં રૂ.11.64 લાખના સરકારી નાણાંની ગેરરીતિ અને ઉચાપત કરવાના ગંભીર પ્રકરણમાં લાંબા સમયથી નાસતા ફરતા તલાટી નીતિન જેતાણીને શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી તલાટી સામે સાધલી ગ્રામ પંચાયતના બેંક ખાતામાંથી પોતાના તેમજ પોતાના અંગત મિત્રના બેંક ખાતામાં સરકારી નાણાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાનો ગંભીર આરોપ છે.
કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ અંગે શિનોર પોલીસ મથકે 22 જાન્યુઆરી 2025ના રોજ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલા તલાટી નીતિન જેતાણીની ધરપકડ કરીને શિનોર પોલીસે તેને શિનોર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ઉચાપતની રકમ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપી તલાટીના 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધીના (4 દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે.
