ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને હવે 3 દિવસમાં કાઢી લેવાશે તેમ આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. બ્રિજ પર લટકી રહેલા ટ્રકને કાઢવાના ભારે પ્રયાસ થઇ રહ્યા છે તે વચ્ચે આણંદ કલેક્ટરનું આ નિવેદન આવ્યું છે. કલેક્ટરે કહ્યું કે બ્રિજ પર ફસાયેલા ટ્રકને 3 દિવસમાં બહાર કઢાશે અને આ માટે પોરબંદરની મરિન સેલ્વેજિંગ કંપનીની મદદ લેવાઇ છે અને ટેકનોલોજી તથા આધુનિક સાધનોની મદદથી ટ્રકને બહાર કઢાશે. તેમણે કહ્યું કે પુલથી 900 મીટર દૂર એજન્સીએ ઓફિસ શરૂ કરી છે અને માણસ કે બ્રિજને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે


પોરબંદરની કંપનીની મદદથી ટ્રકને કઢાશે

આણંદ જિલ્લાના ગંભીરા નદી પરના પુલ પર ફસાયેલા ટ્રક મામલે મોટા સમાચાર આવ્યા છે. આણંદ જિલ્લા વહીવટી તંત્રએ પોરબંદરની મરિન સેલ્વેજિંગ ક્ષેત્રે નિષ્ણાત કંપનીની મદદ લીધી છે. કલેક્ટરે જણાવ્યું કે ટ્રકને નુકસાન પહોંચાડ્યા વિના તથા માનવજીવન અને પુલના માળખાને જોખમ ન થાય તે રીતે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ઓપરેશન હાથ ધરવામાં આવશે. ન્યુમેટિક એરબેગ, હાઈડ્રોલિક સ્ટ્રેન્ડ જેક, અને એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટીલીવર જેવા અદ્યતન સાધનો દ્વારા ટ્રકને હટાવવાનો પ્રયાસ થશે.

સ્થાનિક પ્રશાસને પણ તમામ વ્યવસ્થા ઊભી કરી

તેમણે કહ્યું કે ટ્રકને બહાર કાઢવા માટે પુલથી લગભગ 900 મીટર દૂર એજન્સી દ્વારા હંગામી ઓપરેશનલ ઓફિસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઇ સ્થાનિક પ્રશાસને પણ તમામ વ્યવસ્થા ઊભી કરી છે જેથી કાર્ય દરમ્યાન કોઈપણ પ્રકારનો અવરોધ કે દુર્ઘટના સર્જાય નહિ.

પુલના સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે

કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે સમગ્ર કામગીરીમાં વ્યક્તિગત સલામતી અને પુલના સ્ટ્રક્ચરનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. હાલમાં કામગીરીની તૈયારીઓ ચાલી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં ટેન્કરને સફળતાપૂર્વક હટાવી લેવામાં આવશે તેવી આશા છે.

  • Follow us on: