વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા ગોત્રી-હરિનગર બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બેફામ કારે એક પછી એક અંદાજે 5 જેટલા વાહનોને પોતાની અડફેટે લીધા હતા, જેના કારણે રસ્તા પર ભારે દોડધામ મચી ગઈ હતી.
રિક્ષાચાલકનું ઘટના સ્થળે જ મોત
આ ભયાનક અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક રિક્ષાચાલકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જ્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

