વડોદરાની GMERS ગોત્રી મેડિકલ કોલેજમાં બીજા વર્ષના ત્રણ તબીબી વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલામાં અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક ખુલાસો સામે આવ્યો છે. સિનિયર વિદ્યાર્થીઓના માનસિક ત્રાસથી ડરી ગયેલા ભોગ બનનાર વિદ્યાર્થી હર્ષ ખલાસીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર ત્રણેય વિદ્યાર્થીઓ હર્ષ ખલાસી, પૃથ્વીરાજ પરમાર અને સાહીલ મકવાણા તેમજ તેમના વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા અને આક્રોશ ઠાલવ્યો છે.
રેગિંગના મામલામાં ભોગ બનનાર વિદ્યાર્થીઓની આપવીતી
બે દિવસ અગાઉ કોલેજમાં ફટાકડા ફૂટ્યા બાદ સિનિયર વિદ્યાર્થીઓએ તપાસના નામે ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને ગુનો કબૂલવા માટે માનસિક ત્રાસ આપ્યો હોવાની સીધી નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)માં ફરિયાદ કરાઈ હતી. આજે એન્ટી-રેગિંગ કમિટી સમક્ષ હાજર થયેલા ભોગ બનનાર વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી વર્ણવી હતી:
હું ખૂબ ડરી ગયો હતો, હવે અમે ન્યાયની આશા પર છીએ
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, "અમે ફટાકડા ફોડ્યા જ ન હતા, તેમ છતાં અમને 5 કલાક ઊભા રાખવામાં આવ્યા અને અમારા બચાવમાં કોઈ ન આવ્યું."ભયના માર્યા વિદ્યાર્થીઓ ગભરાઈને ઘરે જતા રહ્યા હતા.આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી હર્ષ ખલાસીએ જણાવ્યું હતું કે, "હું ખૂબ ડરી ગયો હતો, હવે અમે ન્યાયની આશા પર છીએ."
રેગિંગ કરનારને કડક સજા કરવા વાલીઓની માંગ
સમગ્ર ઘટનાને પગલે ત્રણેય વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ તંત્ર અને સિનિયર વિદ્યાર્થીઓની દાદાગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.પોતાના પુત્રની હાલત જોઈને હર્ષ ખલાસીના માતા રડી પડ્યા હતા અને તેમણે રડતા-રડતા કહ્યું હતું કે "આવું કોઈની સાથે ન થાય."વાલીઓએ કોલેજ પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે રેગિંગ કરનારને કડકમાં કડક સજા કરો અને બીજા વિદ્યાર્થીઓ સાથે આવું ન થાય તેવું ઉદાહરણ પૂરું પાડો.
તલસ્પર્શી તપાસ બાદ પોલીસ ફરિયાદનો નિર્ણય લેવાશે
NMC દ્વારા ફરિયાદની કોપી સુપ્રીટેન્ડન્ટ અને ડીન ડો. વિશાલા પંડ્યાને સોંપવામાં આવ્યા બાદ કોલેજ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે ડીન દ્વારા તાકીદની મિટિંગ બોલાવવામાં આવી છે. ડીન ડો. વિશાલા પંડ્યાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, "આ બે દિવસ અગાઉની ઘટના છે અને આ વિષય બહુ ગંભીર છે."તેમણે સ્વીકાર્યું હતું કે "ફરિયાદી 3 પૈકી એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવાશે.
આ પણ વાંચો: Porbandar: ચર્ચાસ્પદ સૂરજ પેલેસ લેન્ડ ગ્રેબિંગ કેસમાં હીરલબા જાડેજાને કોર્ટમાંથી મોટી રાહત! એડવોકેટની દલીલો બાદ શરતી જામીન મંજૂર