વડોદરા જિલ્લામાં પર્યાવરણના ભોગે ચાલતી ફેક્ટરીઓ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવે કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. વડોદરાના પોઈચા ખાતે આવેલી સુદીપ ન્યુટ્રિશન પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી વગર સીધું જ પ્રદૂષિત અને ઝેરી પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી. આ મામલે GPCBએ ત્વરિત પગલાં લેતા કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ કર્યો છે.

પાણીના સેમ્પલના રિપોર્ટમાં ગંભીર બેદરકારી ઉજાગર

મળતી માહિતી મુજબ, કંપની દ્વારા નદીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદોના આધારે GPCBની ટીમે સ્થળ પર જઈને પાણીના નમૂના (સેમ્પલ) લીધા હતા. આ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેના પગલે બોર્ડ દ્વારા કંપની સામે કાયદેસરની શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગત 16 નવેમ્બરે ફટકારાઈ હતી નોટિસ

પર્યાવરણના નિયમોને નેવે મૂકીને પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા બદલ GPCB દ્વારા ગત 16 નવેમ્બરે જ સુદીપ ન્યુટ્રિશન કંપનીને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પર્યાવરણના કાયદાનું પાલન ન કરવાને કારણે આખરે તંત્રએ કંપનીને કડક હાથે ઝડપી લેતા તેને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે.

Vadodara News: GPCB Orders Closure of Sudeep Nutrition Company for Polluting Mahisagar River

નદીઓનું પ્રદૂષણ અટકાવવા GPCBની કડક ચેતવણી

રાજ્યમાં કુદરતી જળાશયો અને નદીઓને પ્રદૂષિત થતી અટકાવવા માટે GPCB હવે વધુ સક્રિય બની છે. સુદીપ ન્યુટ્રિશન કંપનીને પ્રદૂષિત પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે બંધ કરવા અને પર્યાવરણ સુરક્ષાના તમામ કાયદાઓનું સખ્તાઈથી પાલન કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી અન્ય ઉદ્યોગોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!