વડોદરા એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા અને અદ્યતન ટર્મિનલ બિલ્ડિંગને જોતાં તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે નોટિફાઇડ કરવામાં આવ્યું હતું. વડોદરા, આણંદ, નડીઆદ અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના હજારો એનઆરઆઈ (NRI) પરિવારો યુકે, યુએસએ અને ગલ્ફ દેશોમાં વસે છે. આ પરિવારો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે વડોદરાથી સીધી દુબઈ, શારજાહ કે બેંગકોકની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે. જોકે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિદેશી ઉડાનની આ રાહ હજુ વધુ લાંબી ચાલી શકે તેમ છે.
ગયા વર્ષે માત્ર 4 વિમાનો આવ્યા, એરક્રાફ્ટની વૈશ્વિક તંગી નડી
ગ્રાઉન્ડ ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે વર્ષ 2025માં વડોદરા એરપોર્ટ પર માત્ર 4 આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ઓપરેટ થયા હતા, જે નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ નહોતી. ફ્લાઇટ્સ શરૂ ન થવા પાછળ એરપોર્ટ પ્રશાસનની કોઈ ખામી નથી. વડોદરા એરપોર્ટના ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, "ઇન્ટરનેશનલ ઓપરેશન માટે અમારો રનવે, કસ્ટમ્સ ચેકપોસ્ટ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ સંપૂર્ણ રીતે તૈયાર છે. સમસ્યા એ છે કે વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ પાસે વિમાનો અને એન્જિનોની અછત વર્તાઈ રહી છે. જેમ નવી એરલાઇન્સ કંપનીઓ ઓપરેશન માટે તૈયાર થશે, અમે ફ્લાઇટ્સ આવકારવા સજ્જ છીએ."










