વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે વરસાદના કારણે માર્ગ અકસ્માત અને ધોવાણની ગંભીર સમસ્યા સામે આવી છે. શિનોરના પુનિયાદ-આનંદી માર્ગ પર પુનિયાદ નજીકના વળાંક પાસે આવેલી સંરક્ષણ દિવાલ (પ્રોટેક્શન વોલ) અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ છે. સંરક્ષણ દિવાલ તૂટી પડતાં જ રસ્તાની બંને બાજુ જમીનનું ઝડપથી ધોવાણ શરૂ થઈ ગયું છે. ચોમાસાના તીવ્ર પ્રવાહને લીધે રસ્તાનો કિનારો ધોવાઈ જતાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે.
નાળા નીચે પોલાણ થતાં નાળું તૂટવાની દહેશત
દિવાલ ધરાશાયી થવાની સાથે જ પાણીના વહેણને કારણે નાળાની નીચેના ભાગમાં મોટું પોલાણ સર્જાયું છે. નાળા નીચે જમીન ધસી જતાં આખું નાળું ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આ નાળું ધરાશાયી થશે તો પુનિયાદ અને આનંદી ગામને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. માર્ગ બંધ થવાની સ્થિતિમાં આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક કટ થઈ જવાની અને ગ્રામજનોનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવાની પૂરી દહેશત વર્તાઈ રહી છે.
