વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે સમગ્ર વાઘોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંથકના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુતાલ ગામે રામદેવપીરજીના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા

ભારે વરસાદના કારણે વાઘોડિયાના ગુતાલ ગામે આવેલું પવિત્ર રામદેવપીરજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિરના પરિસર તેમજ ગર્ભગૃહ સુધી પૂરના પાણી ઘૂસી જતાં ભક્તો અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પવિત્ર યાત્રાધામમાં પાણી ભરાવાના કારણે દૈનિક પૂજા-અર્ચના અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તંત્ર સામે રોષ

વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ગામમાં અને મંદિર પરિસરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહ્યા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે પંપિંગ કે અન્ય યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો