વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિવાદને કારણે ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં શૈક્ષણિક માહોલ વચ્ચે વિદ્યાર્થી નેતાઓની ખુલ્લેઆમ ગુંડાગર્દી જોવા મળી હતી. કેમ્પસની અંદર જ બે મોટા વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા, જેના કારણે સામાન્ય વિદ્યાર્થીઓમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ABVPના કાર્યકરને લાફો મારતા મામલો વધુ બિચક્યો
સાયન્સ ફેકલ્ટીમાં NSUI અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. આ શાબ્દિક વિવાદ દરમિયાન અચાનક ઉશ્કેરાટમાં આવીને એક જૂથના સભ્યએ ABVPના કાર્યકરને જાહેરમાં લાફો મારી દીધો હતો. આ લાફો મારવાની ઘટનાને પગલે મામલો એકાએક વધુ બિચક્યો હતો અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે લાતો-મુક્કાની ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી.
