વડોદરામાં રોડ પર એક મહિલાના ધરણાં. એક મહિલા જાહેર રોડ પર બેસી ગઈ હતી. રસ્તાની વચ્ચો-વચ્ચ મહિલાના બેસવાના લીધે લોકોને કૌતુક થયું. આ રસ્તે પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને રોડ પર બેઠેલી મહિલાને લઈને સવાલ થયા. આખરે કેમ મહિલા રોડ પર આમ બેસી ગઈ ? મહિલાના રસ્તા પર બેસવાને લઈને કેટલાક લોકોને ચિંતા થઈ. અકસ્માત થવાનું મોટું જોખમની સંભાવનાને લઈને એક જાગૃત નાગરિકે પોલીસને આ બાબતની જાણ કરી.
સુરસાગર કિનારે પાણીપુરીએ મચાવ્યો હોબાળો
પોલીસ બનાવ સ્થળ પર આવી. અને મહિલાને સમગ્ર મામલાની પૂછપરછ કરી. ત્યારે મહિલાએ જણાવ્યું કે સુરસાગર કિનારે પાણીપુરીની લારીઓ આવેલી છે. તેને પણ અન્ય મહિલાઓની જેમ પાણીપુરી ખાવાનો ભારે શોખ છે. અને એટલે તે અવારનવાર સુરસાગર પાસે આવેલ લારીઓ પર પાણીપુરી ખાય છે. છેલ્લા બે દિવસથી હું સુરસાગર કિનારે આવેલ લારીઓ પર પાણીપુરી ખઉં છું. મેં 20 રૂપિયાની પાણીપુરી નો ઓર્ડર આપ્યો અને લારીવાળાએ મને 2 પાણીપુરી ઓછી આપી. મેં લારીવાળા પાસે વારંવાર 2 પાણીપુરી માગી છતાં તે ટસ નો મસ ના થયો. અને પાણીપુરી આપી જ નહીં.
પોલીસે મધ્યસ્થી બની મામલો થાળે પાડ્યો
જ્યારે પોલીસે સુરસાગર કિનારે આવેલ પાણીપુરીના લારીવાળાને પૂછયું તો તેણે કહ્યું કે આ મહિલા ખોટું બોલુ છે. મેં તેના માગવા મુજબ વધુ બે પાણી પુરી આપી હતી. છતાં આ મહિલાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહી વિવાદ કર્યો. અને આખરે ઓછી પાણીપુરી કેમ આપી તેમ કહી મહિલાએ રોડ વચ્ચે ઘરણા કર્યા. પોલીસે પાણીપુરી લારીવાળા અને મહિલા વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી બની મામલો થાળે પાડ્યો. મહિલાએ રોડ પર પાણીપુરી માટે ધરણાં કર્યા જે બતાવે છે કે જ્યાં સુધી કોઈ બાબતે આ રીતે હોબાળો ના કરો ત્યાં સુધી કોઈ તમારું સાંભળતું નથી.









