વડોદરા નજીક આવેલા જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા વ્યસ્ત માર્ગ પર ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. સુંદરપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું આ ડમ્પર માર્ગની સાઈડમાં આવેલા વીજ થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.
સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું
વીજ થાંભલા સાથે અથડાયા બાદ પણ ડમ્પરની સ્પીડ વધારે હોવાના કારણે તે રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું.આ અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની સાથે જોડાયેલું ભારે પૂલર મશીન પણ ખાડામાં ખાબક્યું હતું. જોકે, આ ઘટના મોડી રાત્રે બની હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર અત્યંત ઓછો હતો. જેના કારણે કોઈ અન્ય વાહન તેની ચપેટમાં આવ્યું ન હતું અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી મોટો અકસ્માત ટળ્યો હતો.
