ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા શહેરમાંથી વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના કપુરાઈ વિસ્તારમાં બાતમીના આધારે એક મોટી રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી લીધો છે. આ કામગીરીથી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. એસએમસીની આ રેડ બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
78 લાખનો દારૂ અને ટ્રક સહિત 93.06 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, SMC ની ટીમે કપુરાઈ વિસ્તારમાં રેડ કરીને ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 500 પેટીઓ કબ્જે કરી છે, જેમાં નાની-મોટી થઈને કુલ 22,116 બોટલો મળી આવી છે. જપ્ત કરાયેલા દારૂના આ જથ્થાની કિંમત આશરે રૂ. 78 લાખ રૂપિયા થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 93.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હરિયાણા-દિલ્હીથી ગુજરાતમાં હેરાફેરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું
આ રેડ દરમિયાન પોલીસે ટ્રકમાંથી ક્લીનર દમન સુરેશકુમાર શર્માની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. જોકે, પોલીસને જોઈને ટ્રકનો ડ્રાઈવર ખીલુ સૈની નાસી જવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો જોગા યાદવ નામના વ્યક્તિએ મોકલ્યો હતો, જેને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. આ સમગ્ર નેટવર્ક હરિયાણા અને દિલ્હીથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય હોવાનું બહાર આવ્યું છે.
કુલ 5 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ
આ મામલે દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર અને મોકલનાર સહિત કુલ 5 આરોપીઓ સામે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગુનો નોંધીને ફરાર ડ્રાઈવર અને દારૂના મુખ્ય સૂત્રધારો સહિતના તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Vadodara News: SMCએ કપુરાઈ વિસ્તારમાં 78 લાખના દારુ સાથે એક આરોપીને ઝડપ્યો