વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલી દેરોલી ગામની નવીનગરીમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગરમી કે અન્ય કારણોસર પરિવારના સભ્યો ઘરની બહાર સૂતા હતા, તે દરમિયાન અંધારાનો લાભ લઈને તસ્કરો ઘરના પાછળના ભાગેથી અંદર ઘૂસ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.

Major theft incident in Karjan, Vadodara

તિજોરી તોડી રોકડ અને દાગીનાની લૂંટ

ઘરમાં પ્રવેશ કર્યા બાદ ચોરોએ કબાટ અને તિજોરી તોડીને અંદર મુકેલા કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ તસ્કરો તિજોરીમાંથી રોકડ રકમ સહિત કુલ અંદાજે રૂ.5 લાખની મતા ચોરીને સરળતાથી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવારજનો જાગ્યા ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોઈ ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

Major theft incident in Karjan, Vadodara

વલણ પોલીસ ઘટનાસ્થળે અને તસ્કરોની શોધખોળ

ઘટનાની જાણ થતાં જ વલણ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક દેરોલી ગામે સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તથા ડોગ સ્ક્વોડની મદદથી આરોપીઓનું માર્ગ શોધવા તજવીજ હાથ ધરી છે. શાંત ગણાતા દેરોલી ગામમાં આટલી મોટી ચોરીની ઘટના બનતાં સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ચકચાર અને ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો