વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. કરજણ તાલુકાના બામણગામ નજીકથી પસાર થઈ રહેલી પેસેન્જર રિક્ષા અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ પર ધડાકાભેર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ થઈ ગયા હતા.
1નું મોત, અન્ય 1 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રિક્ષા પલ્ટી મારવાના આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના અંગે જાણ થતાં જ આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે સ્થળ પર પહોંચી ઘાયલ ઈસમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો.
