વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા ફલોડ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં ફલોડ ગામના એક ખેડૂત રાત્રિના સમયે પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા, ત્યારે ખેતરમાં કશુંક હલચલ થતી હોવાનો અહેસાસ થયો હતો. ખેડૂતે તુરંત જ બેટરી (ટોર્ચ) નો પ્રકાશ ફેંકતા ત્યાં હિંસક દીપડો નજરે પડ્યો હતો. સીમ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.
બે આધેડ પુરુષો પર કર્યો હતો હિંસક હુમલો
ફલોડ ગામમાં દીપડાનો ભય નવો નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે વધુ હિંસક બન્યો છે. માત્ર બે દિવસ પહેલા જ આ દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો અને ગામના બે આધેડ પુરુષો પર અચાનક જીવલેણ હુમલો કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. રાત્રિના સમયે સીમ અને રહેણાંક વિસ્તારની આસપાસ દીપડાની સતત અવરજવરને કારણે ગ્રામજનો પોતાના જીવના જોખમે ખેતરોમાં જવા મજબૂર બન્યા છે અને સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
