વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં હિંસક દીપડાનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. વાઘોડિયાના હિંમતપુરા ગામે રાત્રિના સમયે ત્રાટકેલા દીપડાએ એક પશુનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામના પશુપાલક પરમાર સુરેશભાઈ રતનભાઇના પશુઓમાંથી એક પાડી (ભેંસનું બચ્ચું) પર દીપડાએ જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પશુપાલકો પોતાના પશુધનની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.

દેવ નદી કિનારે દીપડાનો કાયમી વસવાટ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાઘોડિયા પંથકમાંથી પસાર થતી દેવ નદીના કિનારાના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારમાં દીપડાએ પોતાનો કાયમી વસવાટ બનાવ્યો છે. માત્ર બે દિવસ અગાઉ જ આ જ પંથકના ફલોડ ગામે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને બે આધેડ પુરુષો પર હિંસક હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા. માનવ હુમલાના ગણતરીના કલાકોમાં જ હવે પશુના મારણનો નવો સિલસિલો શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દેવ નદી કાંઠાના ગામોમાં ભયનો માહોલ

નદી કિનારાના વિસ્તારોમાં દીપડાની સતત સક્રિયતાને કારણે હિંમતપુરા, ફલોડ સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રિના સમયે ખેતરે પાણી વાળવા કે આંટો મારવા જતાં પણ ડરી રહ્યા છે. વાઘોડિયાના દેવ નદી કિનારાના ગામોના લોકોને દીપડાના આ આતંકમાંથી ક્યારે શાંતિ મળશે તે એક મોટો સવાલ છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પાંજરા ગોઠવીને આ હિંસક વન્યજીવને પકડવા માટે ઉગ્ર માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો