વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ રોડ પર એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પગપાળા પસાર થઈ રહેલી સેજલ બારિયા નામની યુવતીને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી પરથી ટ્રકના આગળ અને પાછળના બંને વ્હીલ ફરી વળ્યા હતા. આ સમગ્ર બનાવ નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય તેમ છે.
મકરપુરામાં કાળજું કંપાવતો અકસ્માત
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતી માટે સ્થાનિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો, પરંતુ 108 સેવા સમયસર ન પહોંચતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આખરે યુવતીની ગંભીર સ્થિતિ જોઈને સ્થાનિકોએ માનવતા દાખવી તેને ખાનગી કારમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી.
