વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર ખાતે આવેલી રાધા રેસિડેન્સીમાં રહેતી અને ખાનગી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક તરુણીએ શાળાએથી ઘરે પરત આવ્યાના થોડા જ સમયમાં પાંચમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

માંજલપુરની રાધા રેસિડેન્સીમાં વિદ્યાર્થીનીનો આપઘાત

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની રોજિંદા ક્રમ મુજબ શાળાએથી ઘરે પરત ફરી હતી. ત્યારબાદ અચાનક જ તેણે રાધા રેસિડેન્સીના ૫ માં માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ધડાકાભેર અવાજ સાથે વિદ્યાર્થીની નીચે પછડાતાં જ આસપાસના રહીશો અને પરિવારજનો લોહીલુહાણ હાલતમાં તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાય તે પહેલાં જ તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

શાળાએથી ઘરે પરત આવ્યા બાદ 5 માં માળેથી કૂદી ટૂંકાવ્યું જીવન

ધોરણ 10 ના મહત્ત્વના શૈક્ષણિક વર્ષ દરમિયાન જ વિદ્યાર્થીનીએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. માનસિક તણાવ, અભ્યાસનું ભારણ કે પછી અન્ય કોઈ પારિવારિક કારણ છે તે અંગે હાલ કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી અને આપઘાતનું પ્રાથમિક કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતના કાગળો તૈયાર કર્યા છે. સગીરાના પરિજનો, શાળાના શિક્ષકો તથા સહપાઠીઓના નિવેદનો નોંધીને આપઘાત પાછળના સાચા કારણ સુધી પહોંચવા માંજલપુર પોલીસે આગળની કાનૂની તપાસ ધમધમાવી છે.

સંભવિત પાસાઓની તપાસ 

એસીપી વિમલ ગામીતે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલના તબક્કે શાળાના કોઈ દબાણ કે શાળાના કારણે જ આ દુઃખદ બનાવ બન્યો હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી કે તેવી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આથી આ મામલે કોઈ પણ ઉતાવળિયા તારણ પર પહોંચવાને બદલે તમામ સંભવિત પાસાઓની તપાસ થઈ રહી છે.

આત્યંતિક પગલું કેમ ભર્યું તે કારણ હજુ સુધી અકબંધ 

વિદ્યાર્થીનીએ શૈક્ષણિક વર્ષ દરમિયાન ઘરે આવ્યા બાદ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તે કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે સગીરાનો મોબાઈલ, પર્સનલ ડાયરી કે કોઈ સુસાઈડ નોટ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે. પરિજનો, સાથી વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફની પૂછપરછ બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે.

આ પણ વાંચો: Gandhinagar News : મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં મોટો ધડાકો, આરોપી ચેતક કમાન્ડો પ્રકાશ ચૌહાણની ધરપકડ!