વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર સ્ટેટ હાઇવે પર વધુ એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરા તાલુકાના કુરાલ ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર આગળ ઉભેલા કન્ટેનર પાછળ પૂરપાટ ઝડપે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો આગળનો ભાગ કન્ટેનર નીચે ગરકાવ થઈ ગયો હતો અને કારના કુરચેકુરચા ઊડી ગયા હતા.
ધડાકાભેર ટક્કરમાં કારચાલકનું ઘટના સ્થળે જ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે કારચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે, આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહમત ઉઠાવીને અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો, વડું પોલીસની ટીમે મોરચો સંભાળ્યો
અકસ્માતની આ ઘટનાને પગલે પાદરા-જંબુસર હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના અંગે જાણ થતાં જ વડું પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસે રોડ પરથી વાહનો ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો
વડું પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેઇન અને જેસીબીની મદદથી રોડ સાઇડ પર ખસેડીને હાઇવે પર ખોરવાયેલા વાહનવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને મૃતક કારચાલકની ઓળખ મેળવવાની તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara News: સાધલીમાં નીકળી અડધો કિલોમીટર લાંબી તિરંગા યાત્રા