વડોદરા શહેરના સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાનાનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ સ્થિત દર્શના એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને આ સમગ્ર વિસ્તારમાં દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.


બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાણીઓની ગેરકાયદેસર કતલ અને માંસ વેચાણ અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટીમે બે અલગ-અલગ સ્થળોએ એકસાથે રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું ખુલ્યું હતું. દરોડા દરમિયાન આશરે 150થી 200 કિલોગ્રામ જેટલું માંસ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત કતલ માટે ઉપયોગમાં લેવાતા છરી, ધારિયા અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રીને પુરાવા તરીકે પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે.

આ ઘટનાને લઈને વિસ્તારમાં હલચલ મચી ગઈ

મળતી માહિતી મુજબ દોઢ મહિના પહેલા જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળ્યા બાદ સંબંધિત ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ યોગ્ય પુરાવા મળતાં આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં હલચલ મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કતલખાનાનું સંચાલન કોણ કરી રહ્યું હતું અને માંસ ક્યાં સપ્લાય થતું હતું તેની દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ કાર્યવાહી પ્રાણીઓના શોષણ અને ગેરકાયદેસર કતલખાનાઓ સામેની મોટી સફળતા તરીકે ગણાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો : Surat: ઇટીપી પ્લાન્ટની સફાઈ કરતાં ગેસ ગળતરના કારણે 4 વ્યક્તિઓ ગૂંગળાયા, સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા


  • Follow us on: