વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાનામુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહીં ધોરણ 1થી 5ના 30 જેટલા બાળકો કરડ નદીના કિનારે આવેલા મંદિરના ખુલ્લા શેડ નીચે શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણતા હોવાના દ્રશ્યો સામે આવતા શિક્ષણની મોટી વાતો વચ્ચે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.

વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ 

મળતી માહિતી મુજબ ગામની શાળાના નવા મકાનને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. જોકે, આટલો સમય વીતી ગયો હોવા છતાં નવી શાળાની બિલ્ડિંગ હજુ સુધી તૈયાર થઈ નથી. પરિણામે નાના બાળકોને યોગ્ય વર્ગખંડની સુવિધા વિના વૈકલ્પિક સ્થળોએ ભણવાની ફરજ પડી રહી છે.

Vadodara: Children Forced to Study in Open Shed

વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી

કરડ નદીના કિનારે ખુલ્લા શેડમાં બાળકોને વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. કાળઝાળ ગરમીમાં બાળકો પરસેવે રેબઝેબ થઈને શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. નદીકિનારે ખુલ્લી જગ્યામાં બાળકો ભણતા હોવાથી તેમની સલામતીને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Vadodara: Children Forced to Study in Open Shed

આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર 

બીજી તરફ આંગણવાડીના 25 બાળકો દૂધની ડેરીમાં ભણવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર દ્વારા શિક્ષણના માળખાને મજબૂત બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે ભગાનામુવાડા ગામની આ સ્થિતિ તંત્રની ઘોર લાપરવાહી અને વિકાસના દાવાઓ વચ્ચેની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે?

હવે સવાલ એ છે કે 2 વર્ષ પહેલા મંજૂર થયેલું શાળાનું મકાન આખરે ક્યારે પૂર્ણ થશે? જ્યાં બાળકોને સુરક્ષિત વર્ગખંડ, વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ નથી, ત્યાં તેમના શિક્ષણ અને ભવિષ્યની જવાબદારી કોણ લેશે તે મોટો સવાલ બની રહ્યો છે. 


આ પણ વાંચો  :  Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા