સાવલી તાલુકાના મોક્સી ગામે બનેલી એક દુઃખદ ઘટનાએ સમાજમાં નારી ઉત્પીડન અને ઘરેલું હિંસાની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે. મોક્સી ગામે રહેતા પઠાણ પરિવારની પુત્રવધૂ શાનુબેન જાવેદભાઈ પઠાણે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની પ્રાથમિક વિગતોમાં આ માત્ર અકસ્માત મોત દેખાતું હતું, પરંતુ મરણ જનાર મહિલાના પિયર પક્ષ અને ફરિયાદી દિલીપસિંહ મહિડાએ પોલીસ સામે જે પુરાવા અને કેસની કડીઓ રજૂ કરી, તેનાથી આખો મામલો ગંભીર ગુનામાં ફેરવાઈ ગયો છે.
વર્ષ 2025થી ચાલતો હતો અત્યાચાર
ભાદરવા પોલીસમાં દાખલ થયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, લગ્નજીવનના થોડા સમય બાદથી જ શાનુબેનને સાસરીમાં ભારે કષ્ટો વેઠવાનો વારો આવ્યો હતો. વર્ષ ૨૦૨૫ દરમિયાન આરોપી પતિ જાવેદખાન દિલાવરખાન પઠાણ અને સાસુ રજીયાબેન પઠાણ દ્વારા નાની-નાની પારિવારિક બાબતોમાં શાનુબેનને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હતી. વાત આટલેથી ન અટકતા, પતિ દ્વારા પરિણીતા પર નિર્દયતાપૂર્વક હાથ ઉપાડીને શારીરિક મારઝૂડ પણ કરવામાં આવતી હતી. આ રોજ-રોજના ક્લેશ અને અસહ્ય અત્યાચારથી કંટાળીને આખરે કોઈ રસ્તો ન જડતા શાનુબેને મોત વહાલું કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.










