વડોદરા જિલ્લામાંથી આગની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લાના સાવલી તાલુકા અંતર્ગત આવતા સમલાયા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપનીમાં પ્લાસ્ટિકની સીટ બનાવવાનું કામ થતું હોવાથી, જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા.
કંપનીનો કરોડોનો માલસામાન બળીને ખાખ
પ્રાપ્ત વિગતો અનુસાર, સમલાયા નજીક આવેલી આ પ્લાસ્ટિકની સીટ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીની અંદર અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે કંપનીની અંદર રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર માલસામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં, જેના કારણે પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
