વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સર્વ શિક્ષા અભિયાનની પોલ ખુલ્લી પડી છે. અહીંની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે શિક્ષણનું સ્તર કથળી ગયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે, જે શિક્ષણના અધિકારનું જ સીધું ઉલ્લંઘન છે.
શિનોરની પાંચ જેટલા ગામોની શાળામાં લાલીયાવાડી
પ્રાપ્ત વિગતો અનુસાર, શિનોર તાલુકાના પાંચ જેટલાં ગામોની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક-એક શિક્ષક જ ફરજ બજાવી રહ્યા છે. આ એક જ શિક્ષકને અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને એકસાથે ભણાવવાની ફરજ પડી રહી છે, જે કોઈપણ સંજોગોમાં સાર્થક નથી. વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે પૂરતા શિક્ષકો હોવા અનિવાર્ય છે, પરંતુ અહીંની સ્થિતિ તદ્દન વિપરીત છે.
દામાપુરની શાળામાં 66 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક
ઉદાહરણ તરીકે, દામાપુરાની શાળામાં 66 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક ઉપલબ્ધ છે. આ ઉપરાંત, દામનગર, નાના કરાળા, તેરસા અને વણીયાદ જેવી શાળાઓમાં પણ સમાન પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યાં શિક્ષકોના મહેકમ ત્રણ હોવા છતાં, છેલ્લા 2023 થી માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી શકે તે એક મોટો પ્રશ્ન છે.
તંત્રને રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ નહીં
સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એક જ શિક્ષક દ્વારા પાંચ-પાંચ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાથી, બાળકોનો પાયો નબળો પડી રહ્યો છે અને તેમના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષણ વિભાગ અને સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી, આ શાળાઓમાં પૂરતા શિક્ષકોની ફાળવણી કરે તેવી સ્થાનિકો દ્વારા આકરા શબ્દોમાં માગ કરવામાં આવી રહી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો, સર્વ શિક્ષા અભિયાન માત્ર કાગળ પર જ રહી જશે અને ગ્રામીણ વિસ્તારના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહેશે.









