વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતમાં તાજેતરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પાડવામાં આવેલી ટ્રેપ બાદ સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્વચ્છ ભારત મિશનના એક સિવિલ એન્જિનિયર રૂ. 25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ લાંચ પ્રકરણમાં ‘2 ટકા સાહેબના’ લખાણ વાળી વોટ્સએપ ચેટ અને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉચ્ચ સ્તરે વિવાદ ઘેરો બન્યો હતો. લાંચકાંડના છાંટા ઊડતાં જ રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યપાલના હુકમથી કડક વલણ અપનાવીને આ અચાનક કાર્યવાહી કરવામાં આવી છે.

માત્ર 7 માસના ગાળામાં TDOની તાત્કાલિક બદલી

શિનોર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેશ પરસોત્તમ વિરાણીની એપ્રિલ 2026માં જ નિમણૂક કરવામાં આવી હતી. જોકે, આ ભ્રષ્ટાચારના પ્રકરણમાં નામ ઊછળતાની સાથે જ ગાંધીનગરથી તેમની બદલીનો તાત્કાલિક અસરથી આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. માત્ર 7 મહિનાના ટૂંકા સમયગાળામાં જ TDOની આ પ્રકારે રાતોરાત હાકલપટ્ટી કરવામાં આવતાં સ્થાનિક રાજકારણ અને પંચાયત આલમમાં મોટો ભૂકંપ સર્જાયો છે.

વલસાડ જિલ્લા પંચાયતમાં નવી નિમણૂક

સરકાર દ્વારા કરવામાં આવેલી આ આકરી શિસ્તબદ્ધ કાર્યવાહી હેઠળ મહેશ વિરાણીને શિનોરથી ખસેડીને વલસાડ જિલ્લા પંચાયત ખાતે ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે રવાના કરી દેવામાં આવ્યા છે. વાયરલ મેસેજ અને રૂ. 25,000ના કમિશન કાંડ બાદ વિરાણી સામે લેવાયેલા આ આકરા પગલાંથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિનોર તાલુકા પંચાયતમાં બનેલી આ ઘટના બાદ આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો