શિનોર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લેતાં તાપમાનનો પારો ઊંચકાયો હતો અને અસહ્ય અકળામણ તેમજ ઉકળાટના કારણે સ્થાનિક રહીશો ત્રાસી ગયા હતા. બીજી તરફ, વાવણી કરી ચૂકેલા ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા કે ક્યારે મેઘરાજા વરસે અને તેમના પાકને પાણી મળે. શિનોર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, આજે સવારથી જ આકાશમાં સૂર્યનારાયણ અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો હતો. બપોર થતાં જ અચાનક પવનના સુસવાટા સાથે વાતાવરણ પલટાયું હતું અને કાળા ડિબંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાએ શિનોર ટાઉન અને ગ્રામીણ વિસ્તારોમાં એન્ટ્રી કરી હતી.
વડોદરાના શિનોરમાં મેઘ મહેર
તાલુકાના અગ્રણી ગામો એવા મોટાફોફળિયા, દામાપુરા અને કંજેઠામાં બપોરે જોરદાર વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા હતા. જોતજોતામાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું. આ વરસાદના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.
