વડોદરા નજીક આવેલા તલસટ ગામમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. તલસટ ગામમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે ગયેલા સ્થાનિક યુવકનો અચાનક પગ લપસી જતાં તે નદીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. યુવક પાણીમાં પડતાં જ નદીમાં રહેલા મગરે તેના પર ત્રાટકીને પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને અરેરાટી વ્યાપી ગઈ હતી.
મૃતક યુવકની ઓળખ થઈ
મગરના હુમલાનો ભોગ બનેલા યુવકની ઓળખ તલસટ ગામના જ વતની રણછોડભાઈ તરીકે થઈ છે. યુવક નદીમાં ગરકાવ થઈ જતાં અને મગર તેને ઊંડા પાણી તરફ ખેંચી જતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નદી કિનારે એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગામલોકોએ તાત્કાલિક સ્થાનિક બચાવ કામગીરી હાથ ધરવા માટે સાઈ ચેરિટેબલ ટ્રસ્ટની મદદ માંગી હતી.
