'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ'ના સૂત્રને સાકાર કરતાં 57 વર્ષીય શિક્ષક સુનિલ બી. પટેલે સાઇઈલિંગ ક્ષેત્રે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ત્રીજી વાર ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ફિટનેસ અને પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે તેઓ દરરોજ પોતાના ઘરેથી શાળાએ અને પાછા સાઈકલ પર જ જાય છે. તેઓએ રોજ 50 કિલોમીટર સાઈકલ ચલાવવાનો નિયમ બનાવ્યો છે અને 2 જાન્યુઆરી 2022થી 12 ફેબ્રુઆરી 2026 સુધી સતત 1,230 દિવસ સાઈકલિંગ કરીને એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે.
મૂળ કાપડવંજના અને હાલમાં વડોદરામાં વસવાટ કરતા સુનિલ પટેલ સૌ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. 57 વર્ષની ઉંમરે પણ તેઓ રોજ સાઈકલ ચલાવીને અન્ય વાહનોનો ઉપયોગ ટાળે છે. તેમની આ લગનને કારણે તેમણે સાઈકલિંગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવતા રહે છે.
સુનિલ પટેલેના નોંધપાત્ર રેકોર્ડ્સ
- પ્રથમ રેકોર્ડ: 50 કિમીના 179 રાઇડ્સ
- બીજો રેકોર્ડ: સતત 625 દિવસ 50 કિમી સાઈકલિંગ
- ત્રીજો રેકોર્ડ: સતત 1230 દિવસ 50 કિમી સાઈકલિંગ
શિક્ષકે 70,000 કિલોમીટરથી વધુ અંતર સાઈકલથી કવર કર્યું
આ અદ્ભુત સિદ્ધિ બદલ તેમને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુનિલ પટેલે કહ્યું કે 'હું અત્યાર સુધીમાં કુલ 70,000 કિલોમીટરથી વધુ અંતર કવર કરી ચૂક્યો છું. હું દરરોજ સવારે 4.30 વાગ્યે ઉઠી વડોદરાના રસ્તાઓ પર 50 કિમી સાઈકલિંગ કરું છું, ત્યારબાદ સાઈકલ પર જ શાળાએ જઈ મારી ફરજ બજાવું છું. શાળા બાદ પણ હું વધારાના 6 કિમીથી વધુ સાઈકલ ચલાવી ઘરે પરત ફરું છું. હું રોજિંદા જીવનમાં સાઈકલને મુખ્ય વાહન તરીકે અપનાવું છું અને અન્ય લોકોને પણ સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરું છું.”
ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ સિવાય પણ તેમણે અનેક સન્માનો મેળવ્યા છે. તેઓએ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા, એશિયા બુક ઑફ રેકોર્ડ્સ, હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન એવોર્ડ 2025 સહિત અનેક રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેમનો સફર દૃઢ નિશ્ચય, ફિટનેસ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું જીવંત ઉદાહરણ છે.
આ પણ વાંચો : Local Body Elections 2026: અંકલેશ્વરમાં અપક્ષ ઉમેદવાર 'પ્રવીણ માસ્તર' સામે છેડતી અને સતામણીની ફરિયાદ, 8 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ