વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. શહેરમાં એક જ રાત્રિ દરમિયાન રખડતા ઢોરના કારણે બે અલગ-અલગ ગંભીર અકસ્માત સર્જાયા છે, જેમાં એક બાઇકચાલક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતોના ભયાવહ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં વડોદરા મહાનગરપાલિકા (VMC) સામે ભારે રોષ ફેલાયો છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે, પરંતુ આ રાત્રિની ઘટનાઓએ પરિસ્થિતિની ગંભીરતાને ઉજાગર કરી છે.


વડોદરામાં રખડતા ઢોરે યુવકનો જીવ લીધો

બાઇકચાલક સંદીપ નેગીનું મોત: પ્રથમ અને સૌથી ગંભીર બનાવ મહેસાણા નગર પાસે બન્યો હતો. મોડી રાત્રે બાઇક લઈને જઈ રહેલા સંદીપ નેગી નામના યુવકને રખડતું ઢોર અચાનક આડે આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સંદીપ નેગીનું કરૂણ મોત નીપજ્યું હતું. CCTV ફૂટેજમાં ઢોર અચાનક રોડ પર આવતા યુવક બેકાબૂ થઈને પટકાયાનું સ્પષ્ટ દેખાય છે.

રખડતા ઢોરથી અલગ અલગ 2 અકસ્માત 

 બીજો અકસ્માત શહેરના સોમાતળાવ વિસ્તારમાં નોંધાયો હતો. અહીં પણ રખડતું ઢોર અચાનક રસ્તા પર આવી જતાં એક બુલેટચાલક યુવક તેની સાથે અથડાયો હતો. અકસ્માતના કારણે બુલેટચાલક રોડ પર લાંબા અંતર સુધી ઢસડાયો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા

એક જ રાતમાં બનેલા આ બે બનાવોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા ઢોરને પકડવાની નીતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરીજનોનો રોષ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા આ સમસ્યા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. રખડતા ઢોર હવે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં, પરંતુ જીવલેણ જોખમ બની ગયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે VMC તંત્ર યુદ્ધના ધોરણે રખડતા ઢોરને પકડીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.

  • Follow us on: