સાંસ્કૃતિક નગરી વડોદરાના રાજકારણમાંથી એક અત્યંત રસપ્રદ અને હાસ્યાસ્પદ કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના વોર્ડ નંબર ૧૪માં ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા માટે તંત્ર દ્વારા એક જેટિંગ મશીન મોકલવામાં આવ્યું હતું. આ મશીન આવતાની સાથે જ વિસ્તારમાં પહેલા કામગીરી કરાવી લેવા માટે અને ક્રેડિટ લેવા માટે વોર્ડના જ બે મહિલા કોર્પોરેટરો વચ્ચે ભારે હોડ જામી હતી, જે જોતજોતામાં જાહેર વિવાદમાં ફેરવાઈ ગઈ હતી.

દીપિકા પટણી અને દીપા શ્રીવાસ્તવ વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ

જેટિંગ મશીન સ્થળ પર પહોંચતા જ ભાજપના મહિલા કોર્પોરેટર દીપિકાબેન પટણી અને કોંગ્રેસના મહિલા નગરસેવિકા દીપાબેન શ્રીવાસ્તવ બંને પોતપોતાના સમર્થકો સાથે મશીન પાસે દોડી આવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે પોતાના વિસ્તારનું કામ પહેલા કરાવવા બાબતે ઉગ્ર શબ્દયુદ્ધ અને વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસી નગરસેવિકાનું કહેવું હતું કે આ મશીન તેમની લેખિત ફરિયાદના આધારે આવ્યું છે, જ્યારે ભાજપના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે આ મશીન તેમણે પોતે ઓર્ડર આપીને મંગાવ્યું છે.

એક જ વોર્ડના હોવાથી સર્જાઈ હતી ગેરસમજ

જાહેર માર્ગ પર બે પ્રતિષ્ઠિત મહિલા નેતાઓ વચ્ચે ખેલાયેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા અને શાબ્દિક જંગનો ત્યાં હાજર કોઈ નાગરિકે મોબાઈલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જો કે, આ વિવાદ પાછળનું મુખ્ય કારણ એ હતું કે બંને કોર્પોરેટરો એક જ વોર્ડના પ્રતિનિધિ હોવાથી બંનેએ અલગ-અલગ ડ્રેનેજ સફાઈ માટે મશીન મંગાવ્યું હતું. અંતે આ આખી બાબત વહીવટી ગેરસમજ હોવાનું બહાર આવતાં બંને પક્ષે શાંતિ સ્થપાઈ હતી અને મામલો થાળે પડ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો