વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં તળાવની જગ્યામાં વીજ કંપની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) અને જેટકોની મનમાની સામે આવી હોવાના આક્ષેપો સાથે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, કલેક્ટરની લેખિત પરવાનગી વિના જ તળાવની જગ્યામાં 5 વીજ ટ્રાન્સફોર્મરનું જોખમી શિફ્ટિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે વીજ કંપનીના અધિકારીએ ખુલાસો કર્યો છે કે ગ્રામ પંચાયતની મૌખિક સૂચનાના આધારે આ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યા છે, જેના કારણે પ્રક્રિયા અને મંજૂરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

પાણીમાં રહેતા જીવજંતુઓ અને લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો

તળાવની જગ્યામાં 5 વીજ ટ્રાન્સફોર્મર ઉભા કરી દેવામાં આવતા આસપાસના લોકો અને પાણીમાં રહેતા જીવજંતુઓની સુરક્ષા સામે ગંભીર સવાલો સર્જાયા છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે કે ભવિષ્યમાં તળાવમાં પાણી ભરાય તો મોટો વીજ અકસ્માત થઈ શકે છે અને જો કોઈ જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર કોણ ગણાશે. સ્થળની યોગ્ય ચકાસણી અને જરૂરી કાયદેસરની મંજૂરી લીધા વગર આ પ્રકારની કામગીરી કેમ કરવામાં આવી તે મુદ્દે પણ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

તળાવની જમીન પર જોખમી કામગીરીને લઈને તંત્રની જવાબદારી પર સવાલ

સાધલી ગામના તળાવની જમીન પર વીજ કંપની દ્વારા કરાયેલા આ જોખમી કામને લઈને સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની જવાબદારી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે. લેખિત પરવાનગી અને સલામતીની પૂરતી ખાતરી વગર કરાયેલા ટ્રાન્સફોર્મર શિફ્ટિંગથી સંભવિત જોખમ અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. હવે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય ચકાસણી કરીને સુરક્ષાના પગલાં લેવાય છે કે કેમ તેના પર સૌની નજર રહી છે.

આ પણ વાંચો : Bhavnagar News : પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથને લઈને સૌથી મોટા સમાચાર, આવતીકાલે સવારે નીકળશે અંતિમયાત્રા