ગુજરાતની શૈક્ષણિક અને સંસ્કારી નગરી વડોદરા માટે આજનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ સાબિત થવાનો છે. વડોદરાની વિશ્વપ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટી (MSU)ના 75મા ઐતિહાસિક પદવીદાન સમારોહ (કોન્વોકેશન)માં હાજરી આપવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ખાસ વડોદરાની મુલાકાતે પધારી રહ્યા છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને યુનિવર્સિટી પરિસરમાં તેમજ સમગ્ર શહેર વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

161 તેજસ્વી વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ એનાયત કરાશે

આ ભવ્ય કોન્વોકેશન સમારોહ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાઓમાં સર્વોચ્ચ દેખાવ કરનારા 161 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 202 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતાના હસ્તે દેશના ભાવિ સમાન મેધાવી વિદ્યાર્થીઓને મેડલ અને પદવી એનાયત કરીને પ્રોત્સાહિત કરશે. પોતાના શૈક્ષણિક પ્રદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થવાને લઈને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રીઓ રહેશે ખાસ ઉપસ્થિત

એમ.એસ. યુનિવર્સિટીના આ પ્લેટિનમ જ્યુબિલી સમાન 75મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમલાલ ચાંગા સહિતના ઉચ્ચ રાજકીય અને શૈક્ષણિક મહાનુભાવો પણ આ કાર્યક્રમની શોભા વધારશે. યુનિવર્સિટીના વહીવટી મંડળ દ્વારા આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે તમામ વ્યવસ્થાઓ આખરી ઓપ આપી દેવાયો છે.

આ પણ વાંચો : Ahmedabad News: 15 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નળ સરોવરના દરવાજા ખુલશે, જાણો કેવી રીતે મળશે પ્રવેશ