ડેસર તાલુકામાં શનિવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ થોડી જ ક્ષણોમાં ઠંડક પ્રસરી હતી. મીની વાવાઝોડા સાથે તાલુકામાં ધૂળની ડમરીઓ ઊડી હતી. કાળાડિબાંગ જેવા વાદળ ચડી આવ્યા હતા. જોત જોતામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું.


ઉદલપુરમાં સાંજે અડધો કલાક ધમાકેદાર વરસાદથી પાણી પાણી કરી નાખ્યું હતું. શનિવારે સાંજે જ ડુંગરીપુરા હિંમતપુરામાં પણ વરસાદે બેટિંગ કરી હતી. જ્યારે રવિવારે રાત્રે ધીમીધારે શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી વરસ્યો હતો. સવારે 9 વાગે વરસાદે શરૂઆત કરી હતી. જે બપોરે બાર વાગ્યા સુધી અવિરત વરસ્યો હતો. 24 કલાક દરમિયાન ડેસર તાલુકામાં 37 મિલીમીટર વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. તાલુકાના વક્તાપુરા, વેજપુર શાંતિપુરા વાલાવાવ, વરસડા, જાંબુગોરલ, ઉદલપુર સાઢાસાલ, પાંડુ મેવાસ, શિહોરા, છાલીયેર સહિતના ગામોમાં જાણે ચોમાસું બેઠું હોય તેમ કમોસમી વરસાદ વરસ્યો હતો. પહેલા તો વરસાદની શરૂઆત થતાં કેટલાક ખેડૂતો ખુશ થયા હતા. કારણ કે, તેઓને ખેતરમાં પાક બચાવવા માટે પિયત પાણીની ખાસ જરૂરત હતી. તમાકુ દિવેલા અને કપાસના પાકમાં પાણી મૂકવાના ટાઈમે જ વરસાદ વરસ્યો હતો.


  • Follow us on: