ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં શહેરા તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ જ્યારે ગોધરા તાલુકામાં માત્ર 20 મિનીટમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં સવા ઇંચ અને ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં એક-એક વરસાદ નોંધાયો હતો. શહેરા તાલુકાના પાનમ ડેમમાંથી સતત બીજા દિવસે પણ 14058 ક્યુસેક પાણી છોડાયું હતું.
ગોધરા તાલુકા સહિત પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર જારી રહી હતી. ગોધરા તાલુકામાં આજે અંદાજીત વીસ મિનિટમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદી પાણી માર્ગો ઉપર ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જ્યારે શહેરામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળવા સાથે બે કલાકમાં 104 mm વરસાદ થતા શાન્તાકુંજ સોસાયટીમાં રોડ પર જાણે નદી વહેતી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતુ. પાનમ ડેમમાં પાણીની નવી આવક થતા ડેમના ત્રણ ગેટ ખોલીને 14058 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવા સાથે ગ્રામજનોને નદી કિનારે નહીં જવા અપીલ કરાઈ હતી. ડેમની સપાટી 127.21 મીટર થઈ છે, જ્યારે ભયજનક સપાટી 127.41 મીટર છે. પાનમ જળાશયમાં પાણીની આવકને લઈને ડેમ 97.21% જેટલો ભરાયો છે. ગોધરા તાલુકાના નદીસરમાં ગત સાંજે અને શુક્રવાર વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાનમ કોતરમાં ભારે પાણીની આવકના કારણે ધરી તરફ જવાનો માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો. જ્યારે પંથકના તમામ તળાવો છલકાયા હતાં. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાંદરવેડ ગામે ભારે વરસાદના કારણે વાલાભાઈ પૂજાભાઈ વણકરના કાચા મકાનની દીવાલ અચાનક તૂટી પડી હતી. સદનસીબે, ઘટના સમયે પરિવારના સભ્યો ઓસરીમાં બેઠા હોવાથી ત્રણેયનો આબાદ બચાવ થયો હતો. તેમજ ગોધરા તાલુકાના સાંપા ગામ નજીક ખજુરી- મોરડુંગરા ગામને જોડતા કોતરના કોઝ વે પરથી ગઈકાલે તા.28 ના રોજ ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી જીવના જોખમે પસાર થઈ રહેલા મોટરસાયકલ સવાર બે યુવકોની બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જ્યારે બન્ને યુવાનોનો આબાદ બચાવ થયો હતો.










