શહેરના નવાપુરા શિંદે કોલોનીના એક મકાનમાં ગઈકાલે રાતે દારુની મહેફિલ માણી રહેલાં પૂર્વ કાઉન્સિલરના સાળા સહિત 9 જણાંની સ્થાનીક પોલીસે ધરપકડ કરી હતી. પૂર્વ કાઉન્સીલરના પુત્રની સગાઈ હતી. આ કાર્યક્રમ આટોપ્યા બાદ દારુની મહેફિલ યોજાઈ હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.
નવાપુરા શિંદે કોલોનીના એક મકાનમાં દારુની મહેફિલ યોજાઈ છે. તેવી ગઈકાલે ગુરુવારે રાતે નવાપુરા પોલીસને માહિતી સાંપડી હતી. પી.આઈ.એમ.એસ. અસારીની ટીમે ગુરુવારે રાતે 8-40 વાગે દરોડો પાડયો હતો. જેમાં પૂર્વ કાઉન્સિલર અશોક ખારવાના સાળા હિતેશ જગદિશ ખારવા (રહે, શિંદે કોલોની, નવાપુરા), તેમજ હિમલેશ હસમુખ ખારવા (રહે, ગણેશ ચોક,પથ્થરગેટ), અનીલ રમેશ ખારવા (રહે, ખારવાવાડ, નવાપુરા), હિરેન કનુ ખારવા (રહે, ભાઉદાસ મહોલ્લો, શિયાબાગ), દિપેશ દિનેશ ખારવા (રહે, ગણેશ ચોક, પથ્થરગેટ), દિનકર અરવિંદ ખારવા (રહે, મદનઝાપા રોડ, હનુમાનજી મંદિર પાસે), પરેશ તુલસીદાસ ખારવા (રહે, ખારવાવાડ, નવાપુરા), મુકેશ બાલકિશન શર્મા (રહે, મોટી તંબોળીવાડ, પથ્થરગેટ) તેમજ આશિષ મહેશ ખારવા (રહે, હરિભક્તિની વાડી, દર્શન એપાર્ટમેન્ટ)ની દારુનો નશો કરવા બદલ ધરપકડ કરી હતી. સ્થળ પરથી દારુની બે બોટલ, નમકીન તેમજ ગ્લાસ મળ્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે એક તબક્કે મહેફિલ માણતા તમામમાં નાસભાગ મચી ગઇ હતી.










