મોટી બહેનના અવસાન પ્રસંગે આસનસોલ જવા આવેલા રીફાઇનરી રોડના પ્રૌઢને બે લૂંટારૂઓએ પોતાની જાળમાં ફસાવી તેઓને ચપ્પુ બતાવી પાસેથી સોનાના દાગીના અને મોબાઇલમાંથી ઓનલાઇન પૈસા મેળવી રૂપિયા 1.82 લાખની મતાની લૂંટ કરી બન્ને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાઇ હતી.
રીફાઇનરી રોડ પરના અજયનગરમાં હરીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા ઉપેન્દ્રકુમાર દિનેશ્વરગીરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુકે, તેઓની મોટીબહેન ગૌરીદેવીનું અવસાન થયુ હતુ.આથી તેઓ આસનસોલ જવા માટે તેઓનો પુત્ર 19મી ના રોજ રાત્રે છાયાપુરી રેલવે સ્ટેશન છોડી ગયો હતો. પારસનાથ એકસપ્રેસમાં તેઓનુ રીઝર્વેશન હતુ. આથી તેઓ છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી લીફટમાં બેસી ને પ્લેટફોર્મ નંબર 2 પર જતા હતા. ત્યારે તેઓ સાથે એક વ્યકિત આવ્યો હતો. તેને કયાં જવુ છે કહી વાતચીત શરૂ કરી હતી. તેને હમણા ટ્રેનમાં કાર્ડ કઢાવવાનો નવો નિયમ આવ્યો છે તેવુ કહીને તેના વિશેની વાત કરી હતી. લીફટમાંથી તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર ઉતર્યા હતા. ત્યારે બીજો વ્યકિત આવ્યો હતો. તેને મારી સાથે વાતચીત કરનાર વ્યકિતએ પોતાની પાસેના પૈસાની ગડ્ડી આપી કાર્ડ કઢાવી આપવા જણાવ્યુ હતુ. આ સાથે પોતાની બેગ પણ આપી દીધી હતી. આથી હું વિશ્વાસમાં આવીને મેં પણ મારો મોબાઇલ ફોન પાસવર્ડ સહિતની વિગતો આપી હતી. આ બન્ને વ્યકિતઓએ મને લીફટની પાછળ અંધારામાં લઇ જઇ ચપ્પુ બતાવીને મારી પાસેની સોનાની ચેઇન બે વીંટી લઇ લીધા હતા. જયારે સવારે મેં મારા બેન્ક એકાઉન્ટ ચેક કરતા બેન્કના વિવિધ ખાતામાંથી યુપીઆઇ મારફતે રૂપિયા 1,13,375 નું ટ્રાન્જેકશન કર્યુ હતુ. આમ બન્ને જણાએ કુલ રૂપિયા 1,82,375 ની મતાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા. ઉપરોકત ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધ્યો છે.










