શિનોર તાલુકાના મીઢોળ ગામેથી એસ.ઓ.જી.વડોદરા ગ્રામ્ય દ્વારા ગાંજાના છોડ અને તેના બીજ તથા સૂકા પાંદડાનો ભૂકો કુલ 26 કિલો 145 ગ્રામ કુલ રૂા.2,61,450નો મુદ્દામાલ ઝડપી પાડીને શિનોર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડેલ છે.
એસ.ઓ.જી વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત 15ની ટીમ સાથે બાતમીને આધારે શિનોર તાલુકાના મીઠોળ ગામે ટેકરા ફળિયા પર પાટણવાડીયા ફળિયામાં રહેતા રમણ મોતી પાટણવાડીયાના કાચા ઘરે તથા વાડામાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલા ગાંજાના કુલ બાર છોડ તથા ગાંજાના બીજ અને સુકા પાંદડાનો ભૂકો કુલ 26 કિલો 145 ગ્રામ રૂા. 2,61,450ની કિંમતનો ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો નોંધી આરોપી રમણ મોતી પાટણવાડીયાને પકડેલ છે. જ્યારે તેને બીજ આપનાર સુરાસામળના રાવજી વસાવા ભગત મળેલ નથી. જેની ફરિયાદ પ્રમોદભાઈ જે.પટેલ પી.એસ.આઇ. એસઓજી વડોદરા ગ્રામ્ય દ્વારા કરેલ છે. તા.24 ઓગસ્ટ સાંજના 7:40થી તા.25 ઓગસ્ટ સવારના 4:20 દરમિયાન પૂરી તપાસ કરી સવારના 6:45 કલાકે શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે. નવા એસ.પી સુશીલ અગ્રવાલના આવ્યા પછી શિનોર તાલુકામાંથી પ્રથમ મોટો ગુનો NDPS હેઠળ નોંધાયો છે. શિનોર પોલીસ સ્ટેશનમાં એક PI, બે PSI, ચાર એ.એસ.પી.આઈ. અને ડી -સ્ટાફ તથા હેડ કોન્સ્ટેબલો આવેલા છે. છતાં તેઓની નજરમાં આ કિસ્સો કેમ ન આવ્યો તે ચર્ચામાં છે. શિનોર પોલીસના બાતમીદારો ફૂટેલા છે કે, શિનોર પોલીસ આ બાબતે નિષ્ક્રિય છે ? શિનોર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવેલ છે.










