સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે 40 વર્ષીય પરણિત ઈસમને જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી દેતા ચકચાર મચી છે. ટૂંકી સારવાર બાદ કરુણ મૃત્યુ નીપજતા ભારે ગમગીની સમગ્ર ગામમાં ફેલાઈ ગઈ છે.


સાવલીના લસુન્દ્રા ગામે ઉદેસિંહ અભેસિંહ ચૌહાણ ઉર્ફે વિજય ઉમર આશરે 40 વર્ષ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. આજરોજ સવારના સમયે લસુન્દ્રા ગામના સ્મશાન પાસેના રસ્તા પાસે કેટલાક અજાણ્યા ઇસમોએ તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ભડભડ સળગતી હાલતમાં દોડતો હતો. દરમિયાનમાં સામેથી આવતા ટ્રેક્ટર પર તેનો જીવ બચાવવા માટે ચઢી ગયો હતો. એક મહિલાની સાડી સળગી ઊઠતા તે પણ સામાન્ય દાઝી ગઈ હતી. બનાવની જાણ ગામમાં થતાં તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 108 મારફ્તે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. સાથે દાઝી ગયેલી મહિલાને પણ વડોદરા ખાતે દાખલ કરાઇ હતી. નાનકડા લસુંદ્રા ગામમાં ઈસમને સળગાવી દેવાની ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ મુદ્દે ભારે તર્કવિતર્ક ઊભા થયા હતા. ઉદેસિંહને જીવતો સળગાવી દેવાનું રહસ્ય અકબંધ રહ્યું હતું.

ઈસમ ગંભીર પણે દાઝી જવાથી સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ઇસમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મંજુસર પોલીસે સમગ્ર ઘટનામાં મૃતકની લાશનો કબજો લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને કસુરવારોને જેલ ભેગા કરવા કવાયત હાથ ધરી છે.

વીડિયોમાં પીડિત ઇસમ આરોપીઓના નામ બોલે છે

ઉદેસિંહ ઉર્ફે વિજયને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા સળગાવી દેવાની ખબર તેના પરિવારજનોને પહોંચતા ઈસમનો ભત્રીજો ફેઝાન ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તનો વીડિયો બનાવ્યો હતો. અને વાઇરલ કર્યો હતો. જેમાં આ ઘટનાને અંજામ આપનારના નામ ઇજાગ્રસ્ત વિજય બોલતો હતો. મંજુસર પોલીસે આ બનાવ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમ પ્રકરણ અથવા આગામી ગ્રામપંચાયતની ચૂંટણીની અદાવતનો ભોગ

ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ, મૃતક ઉદેસિંહ ઉર્ફે વિજય ચૌહાણ પ્રેમ પ્રકરણ અથવા તો આગામી દિવસોમાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણીની અદાવતમાં ભોગ બન્યો હોવાની ચર્ચા એ જોર પકડયું છે. આગામી દિવસોમાં આવી રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીને પગલે ઘટના બની હોવાની ચર્ચાઓ જાગી છે.


  • Follow us on: