વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ઈન્ડિયાબુલ્સ મોલમાં કાર્યરત 'અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ' નામની સંસ્થા સામે યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઇઝરાયેલમાં આકર્ષક પગારની નોકરી અપાવવાની લાલચ આપીને આ સંસ્થાએ 100થી 150 જેટલા બેરોજગાર યુવાનોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. નોકરી મેળવવાની આશાએ અનેક યુવાનોએ વ્યાજે કે લોન લઈને નાણાં ચૂકવ્યા હોવાથી હાલ તેમની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે.

ઓફર લેટર આપી એક વ્યક્તિ દીઠ રૂ.5 લાખ સુધી વસૂલ્યા

સંસ્થા દ્વારા યુવાનોના બોગસ ઈન્ટરવ્યૂ યોજીને તેમને નકલી ઓફર લેટર પણ આપી દેવામાં આવ્યા હતા. પ્રોસેસિંગ ફી અને વિઝાના નામે એક વ્યક્તિ પાસેથી આશરે રૂપિયા 5 લાખ સુધીની માતબર રકમ વસૂલવામાં આવી હતી. આ નાણાં રોકડ તેમજ બેંક ટ્રાન્સફર મારફતે લેવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રકાશમાં આવી છે. લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ કૌભાંડીઓએ યુવાનોને વિદેશ મોકલવા માટે જુદા જુદા વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું.

Fraud in the name of sending abroad in Vadodara

ઓફિસને તાળાં મારી સંચાલકો છૂમંતર

ઈન્ટરવ્યૂ અને નાણાં ઉઘરાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અચાનક જ કચેરીને તાળાં મારીને સંચાલકો સંપર્કવિહોણા થઈ ગયા હતા. યુવાનો જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે કચેરી બંધ મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. લાખો રૂપિયા ગુમાવનાર પીડિત યુવાનોએ એકત્ર થઈને પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે અને સંચાલકો સામે ગુનો નોંધીને તેમના નાણાં પરત અપાવવા કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો