વડોદરા શહેરમાંથી પાલિકા તંત્ર અને કાયદા-વ્યવસ્થાની ગંભીર બેદરકારી છતી કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. મહિલાનો અંગત પળોનો નગ્ન વિડીયો ઉતારવાના ગુનામાં લક્ષ્મીપુરા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલો ફાયર બ્રિગેડનો કર્મચારી જેલ કે નિલંબન (સસ્પેન્શન)ના બદલે ઓન ડ્યુટી જોવા મળતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા (VMC) તંત્રની જવાબદારી અને કાર્યવાહી સામે આકરા સવાલો ઊભા થયા છે.

લક્ષ્મીપુરા પોલીસે કરી હતી ધરપકડ

વડોદરા ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ઉત્પલ મનુભાઈ પટેલ નામના કર્મચારી સામે એક મહિલાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઉત્પલે મહિલાની જાણ બહાર તેના મોબાઈલમાં નગ્ન વિડીયો શૂટ કરી લીધો હતો. આ અંગેની જાણ થતાં જ પીડિત મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે બે દિવસ અગાઉ આરોપી ઉત્પલ પટેલની વિધિવત ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

VMCની કાર્યવાહી સામે ઉઠ્યા સવાલો

ગંભીર નૈતિક અધોપતન અને ફોજદારી ગુનામાં જેલભેગા થયેલા સરકારી કર્મચારી સામે વડોદરા પાલિકા તંત્ર દ્વારા કડક સસ્પેન્શનના પગલાં ભરવાના બદલે, તે જ આરોપી કર્મચારી આજે સરેઆમ ઓન ડ્યુટી ફરજ બજાવતો જોવા મળ્યો હતો. પોલીસ કાર્યવાહી થયા બાદ પણ આરોપી કર્મચારીને ફરજ પર કોણે અને કયા આધારે હાજર રાખ્યો તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. વીએમસી (VMC) તંત્રની આવી લાપરવાહ નીતિ સામે સ્થાનિકો અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો